Home > અમૃત કેશવ નાયક, કવિતા, ગઝલ, ગીત > કરું કે ન કરું – ‘અમૃત’ કેશવ નાયક

કરું કે ન કરું – ‘અમૃત’ કેશવ નાયક

March 8, 2013

દૂર દિલથી સહું સંસાર, કરું કે ન કરું?
હ્રદયમાં આપનું આગાર, કરું કે ન કરું?

તમે કરશો કે જફા મારી વફાને બદલે?
કહોને, અય સનમ, હું પ્યાર, કરું કે ના કરું?

સામો આવું છું તો પરદામાં મુખ છુપાવો છો,
દાર પર થાય, તો દિદાર, કરું કે ન કરું?

નાક તકફૂલ કમલ મુખ ને આંખ નરગિસની,
બધું લઈને ગળે હાર, કરું કે ન કરું?

હાથ તલવાર ધરી, શીશ આશકે નામ્યું,
પછી વિચાર વળી, વાર, કરું કે ન કરું?

કઓલ પહેલાં મને માગ્યા વિના આપી બેઠાં,
હવે ખિયાલ એ, દરકાર, કરું કે ન કરું?

બૂતો બેકદ્ર છે, લાખોને કર્યા છે પા’માલ,
દિલ હું આપીને ઈતબાર, કરું કે ન કરું?

મારું દિલ છીનવી, ના કહે છે આપવા પાછું,
તોછડું લાગશે, તકરાર, કરું કે ન કરું?

બહુ તરસાવી બગલગીર થયો છે ઐયાર,
બોસા લાખો લઈ, બેઝાર, કરું કે ન કરું?

કોટિ સર દાર પર જેણે ચઢાવ્યાં છે અમૃત,
બેરહમ તેને હું, સરદાર, કરું કે ન કરું?

– ‘અમૃત’ કેશવ નાયક

Advertisements
%d bloggers like this: